જલારામ જયંતિ નિમિત્તે જાણો જલારામ બાપાના વિરલ જીવનચરિત્ર વિશે..

530
1370

જાણો પૂજ્ય શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર 

રામ નામ મેં લિન હે,

દેખત સબ મેં રામ,

તાકે પદ વંદન કરું,

જય જય જલારામ.

આજે હું તમને આ લેખ માં સૌરાષ્ટ્ર ની ધરતી ના એક ત્યાગી પુરુષ,વિશ્વશિરોમણી સંત શ્રી જલારામ બાપા નું સંપૂર્ણં જીવન ચરિત્ર, તેમના વિવિધ પ્રાચીન તથા અર્વાચીન પરચાઓ અને તેમના ભક્તો ની તેમના પ્રત્યે ની આસ્થા,શ્રદ્ધા, પ્રેમ-ભાવ તથા લાગણી વિશે જણાવીશ.

પૂજ્ય જલારામ બાપા નો જન્મ જે અભિજીત નક્ષત્ર માં ભગવાન રામ નો જન્મ થયો હતો એ જ નક્ષત્ર માં કારતક માસના શુક્લ પક્ષ ના સાતમા દિવસે બરાબર દિવાળી ના સાત દિવસ પછી વિક્રમ સવંત ૧૮૫૬, ૧૪ નવેમ્બર,૧૭૯૯ ના રોજ એ જમાના માં ધંધો એ જાણે દરેક લોહાણા ની નસ માં હોય એમ હાટડી (નાનકડી એવી કરિયાણાની દુકાન) ચલાવતા પ્રધાન ઠક્કર તથા માં રાજબાઇ ના ઘેર થયો હતો. એ દિવસે પ્રકૃતિ જાણે સાતમે આસમાને બેઠી હોય એમ ખીલી ઉઠી હતી. પ્રધાન ઠક્કર ને કુલ મળી ને ૩ દીકરાઓ હતા. સૌથી મોટા ગોગાભાઇ, વચલા જલાભાઈ  અને નાના દેવજીભાઈ હતા. બાળપણ માં ફળિયા માં રમતા અતિ તેજસ્વી જલા નું રૂપ જોઈ તેના માતા તથા પિતા ને શંકા થઇ કે આ કોઈ સામાન્ય બાળક નથી. તેમની આ શંકા નું સમાધાન પણ જલિયાણ ની કિશોરાવસ્થા માં જ થઇ ગયું. પ્રધાન ઠક્કર ના મોટા ભાઈ વાલજીકાકા ને કોઈ સંતાન ન હતું તેથી તેઓ પણ બાળ જલા ને પોતાના સાગા દીકરા ની જેમ જ પ્રેમ કરતા. કિશોર અવસ્થા માં બાળ જલિયાણ  કાકા તથા પિતા ની દુકાન સાંભળતા તેઓ દુકાનમાંથી સીધો(લોટ), ઘઉં, ગોળ,કાપડ વગેરે નો વેપાર કરતા,પરંતુ જલિયાણ કોઈ સાધુ-સંત, કે ભૂખ્યા-દુખ્યા ને એમ નેમ (નિઃશુલ્ક) ગોળ,ઘઉં તથા અનાજ આપી દેતા. આ વાત ની બધા ને ખબર પડતા કોઈ એ વાલજીકાકા ને ફરિયાદ કરી અને જયારે વાલજીકાકા એ હિસાબ ચેક કર્યો ત્યારે બધું બરાબર જ હતું. ત્યાર પછી તો દરરોજ જલિયાણ સાધુ-સંતો ને વસ્તુઓ આપી દેતા અને એ વસ્તુઓ જયારે વાલજીકાકા ચેક કરતા ત્યારે પછી આવી જતી. આ ઘટના થી સૌપ્રથમ વખત જલિયાણ નું મનોબળ દ્રઢ બન્યું કે તેમના ઉપર તેમના નાથ શ્રી રામ ના હાથ છે તથા શ્રી રામે તેમને માત્ર વેપાર કરવા નઈ પરંતુ નકી કઈ બીજા જ હેતુસર ધરતી પર મોકલ્યા છે.

ત્યારબાદ લગભગ જલિયાણ ની સોળ વરસ ની ઉંમરે વાલજીકાકા તથા પિતા પ્રધાન ઠક્કર જલિયાણ ને બોલાવી તેમના વેવિશાળ કરવાની ઈચ્છા જલિયાણ સમક્ષ રજુ કરે છે.એ સમયે એક દિવસ નો સમય માંગી જલિયાણ પોતાની અંતર આત્મા ને સવાલ કરે છે કે, ‘શું સેવા કરવા માટે સાથ ની જરૂર પડે ખરી??’ ત્યારે અંદર થી એક અવાજ આવે છે કે ‘હા’. તેથી સોળ વરસ ની ઉંમરે વિક્રમ સવંત ૧૬૭૨ માં વીરપુર ના જલિયાણ ના લગ્ન આટકોટ ગામના પ્રતિષ્ઠિત પ્રાગજી સોમૈયા ના સુપુત્રી માં વીરબાઈ સાથે કરવા માં આવે છે. માં વીરબાઈ પણ સંસ્કૃતિ ના ઘાટે ગડાયેલ સર્વગુણ સંપન્ન સાક્ષાત અન્નપૂર્ણા ના અવતાર જેવા હતા. લગ્ન પછી ધણી ની   સાધુ-સંતોની   સેવા કરવા ની ઈચ્છા જાણી જલિયાણ તથા માતા વીરબાઈ એ વીરપુર ગામ ના પાદરે અલગ રહેવાનો નિર્ણય કર્યો. તેથી હવેથી રોજ સાંજે સાંસારિક અને લૌકિક વાતો ને બદલે જલિયાણ ની ઝૂંપડી એ સત્સંગ થતા.

કેવી રીતે મળયા જલિયાણ ને ગુરુ????

એક વાર સાંજે માતા વીરબાઈ એ જલિયાણ ને પૂછ્યું કે,”માણસ ને જીવન માં ગુરુ ની જરૂર પડે?” જવાબ આપતા જલિયાણ   એ કીધું કે જો રામ ને ગુરુ વસિષ્ઠ,કૃષ્ણ ને સંદીપની મુનિ જેવા ગુરુ ની જરૂર પડે તો આપણે તો કાચી માટી ના ગાળા છીએ      આપણે તો અવશ્ય પડે. ત્યારે દેવી વીરબાઈ ના સૂચન થી ગુરુ ની શોધ માં ૧૮ વર્ષ ની ઉંમરે જલિયાણ ચાર ધામ ની યાત્રા કરવા નીકળી પડ્યા અને   સવા   વર્ષે પાછા ફર્યા ત્યારે માં વીરબાઈ એ તેમને ગુરુ વીશે પૂછ્યું તો જલિયાણ એ જણાવ્યું કે તેમને ફતેહપુર ગામ ના ભોજલરામબાપા પાર શ્રદ્ધા છે તેથી તેઓ તેમને પોતાના ગુરુ

બનાવા  ઈચ્છે છે.

કેવી રીતે જલિયાણ જલા માંથી ‘જલારામ’ બન્યા??

તેથી બીજા દિવસે જયારે જલિયાણ એ  સવારે શ્રીફળ,સાંકળ ને અગરબત્તી ભોજા બાપા ને ધરી

તેમને ગુરુ બનાવની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભોજલરામબાપા એ તેમને આર્શીવાદ આપી પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. એ જ દિવસ થી પ્રથમ વખત ભોજલરામબાપા એ જલા ને જલારામ નામે બોલાવ્યા ને વીરપુર નો જલો ‘જલારામ’ થી પ્રખ્યાત બન્યો. જલારામ એ ગુરુ ભોજલરામ બાપા પાસે ‘સદાવ્રત’ ચાલુ કરવા ની ઈચ્છા દર્શાવી ગુરુ ને પોતાના સાધુ પ્રત્યે ના પ્રેમ તથા નિસ્વાર્થ સેવાભાવના નો પ્રથમ પરિચય આપ્યો.

ગુરુ ના આર્શીવાદ તથા તેમની દ્રઢ ઇચ્છાશક્તિ ના લીધે જલારામે વિક્રમ સવંત ૧૮૭૬,મહાસુદ બીજ ના દિવસે વીરપુર ના પાદરે ‘રામ ભરોસે’ સદાવ્રત ની શરૂઆત કરી હતી. આજે ૧૪૧ વર્ષ પછી પણ એ સદાવ્રત અવિરત પણે  ચાલુ જ છે. વીરપુર નું જલારામ મંદિર એ આંક માત્ર એવું મંદિર છે જ્યાં  ૯ ફેબ્રુઆરી,૨૦૦૦ થી એક પણ રૂપિયા નું દાન લેવામાં આવતું નથી.જલારામ ભૂખ્યા-દુખીયા, સાધુ-સંતો ને વીરપુર ના પાદર માંથી પોતાના ઘેર  લાવતા અને માતા વીરબાઈ પોતાના ઘરેણાં વહેંચી અનાજ લઇ આવતા આ રીતે તેમણે સદાવ્રત ની શરૂઆત કરેલી. સદાવ્રત ચાલુ કાર્ય ના ત્રીજા જ દિવસે એક સંત મહાત્મા એ જલારામ ની નિસ્વાર્થ સેવા થી પ્રભાવિત થઇ તેમને આર્શીવાદ આપ્યા કે તેમને ત્યાં હનુમાનજી પ્રગટ થશે અને તેઓ તેમના માટે અન્ન નો દાણો ક્યારેય ખૂટવા નહિ દે.આ રીતે માતા  વીરબાઈ તથા જલારામ સાધુ-સંતો ને નિસ્વાર્થ ભાવે જમાડી તેમની સેવા કરતા હતા.

જલારામ બાપા નો જીવન મંત્ર હતો :

જ્ઞાન જ્ઞાન માં મળે ન મુક્તિ,

ન મળે મુક્તિ પુસ્તક પોથી માં,

સાચી મુક્તિ મૂક સેવા માં,

અને દિન દુખીયા ની રોટી માં.

ભગવાને લીધી જલારામ ની પરીક્ષા અને છેવટે આર્શીવાદરૂપે

ઝોળી અને ધોકો

એક દિવસ જલારામ ને આંગણે એક અતિ વૃદ્ધ આવી  સાધુ પહોંચ્યા તેથી જલારામે તેમની આગતા સ્વાગતા કરી તેમને પ્રસાદ ગ્રહણ કરી લેવા જણાવ્યું. પરંતુ સાધુ  એ શરત મૂકી કે તેમને જે જોઈએ છે તે તેમને મળે પછી જ તેઓ પ્રસાદ ગ્રહણ કરશે. આથી જલારામે એક પણ ક્ષણ અચકાયય વગર કહ્યું કે તમને જે જોઈએ છે તે મળી જશે પણ પ્રસાદ ગ્રહણ કરો કારણકે જલારામ ને આંગણે જે પણ આવે એને પ્રેમ થી જમાડવું એ જલારામ નો ધર્મ હતો. પ્રસાદ ગ્રહણ કરી લીધા બાદ સાધુ એ કહ્યું કે તે પોતાની વૃદ્ધતા થી કંટાળી ગયા છે તેમની નજર પણ પડતી નથી અને તેઓ ચાલી પણ માંડ શકે છે તેથી તેમને પોતાની સેવા કરવા માટે માં વીરબાઈ જોઈએ છે.આ સાંભળી ને ચહેરા પર ની એક પણ રેખા બદલ્યા વિના જલારામએ વીરબાઈ ને સાધુ સાથે જવાની આજ્ઞા આપી. વીરબાઈ પણ એકદમ પતિવ્રતા હતા પતિ ની આજ્ઞા  મળ્યા   પછી તેઓ પોતાની નાનકડી દીકરી જમના નું મોઢું જોવા પણ ઉભા ન રહ્યા અને સાધુ સાથે ચાલવા મંડ્યા. રસ્તા માં સાધુ તેઓ હમણાં આવે છે એવું કહી જંગલ માં વિલીન થઇ ગયા. માતા વીરબાઈ એ સાધુ ની ગણી પ્રતીક્ષા કરી પણ તેઓ પાછા આવ્યા નહિ જયારે માતા વીરબાઈ ની પ્રતીક્ષા ચરમસીમા એ પહોંચી ત્યારે આકાશવાણી થઇ કે ભગવાન જલારામ તથા તેમની પરીક્ષા લઇ રહ્યા હતા જેમાં તેઓ સંપૂર્ણપણે ખરા ઉતાર્યા છે અને આર્શિવાદરૂપે ઝોળી અને ધોકો આપ્યા. માતા વીરબાઈ જયારે ગામ માં પાછા ફર્યા ત્યારે ગામ લોકો એ તેમને ખુબ વધાવી અને જલારામ તથા માં વીરબાઈ ની કીર્તિ દેશ વિદેશો માં ફેલાવા માંડી.

કેવી રીતે જલારામ બન્યા ‘જલારામ બાપા’

એક વાર એક હરાજી નામ ના દરજી ને પેટ માં દુખાવો ઉપાડ્યો અને તે પોતાનું ઈલાજ કરવા માટે જલારામ પાસે ગયો. જલારામે તેના માટે પ્રાર્થના કરી અને તે સાજો થઇ ગયો.એ સમયે તે જલારામ ના પગે પડ્યો અને તેમને પ્રથમ વખત ‘જલારામ બાપા’ કહી સંબોધિત કર્યા.

આથી તેમની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ લોકો રોગ માંથી મુક્તિ મેળવવા તથા તેમની મુશ્કેલીઓના હલ  માટે તેમની પાસે આવતા. જલારામ બાપા રામ ના નામે તેમની માટે પ્રાર્થના કરતા અને    અકલ્પનિય ચમત્કારો થતા.

‘જલા સો અલ્લાહ’  કેમ કહેવાય છે?

એક વાર ૧૮૨૨ માં એક ખુબ પૈસાદાર મુસ્લિમ વેપારી જમાલ નો દીકરો બીમાર પડ્યો. ડોક્ટરો એ બધી જ આશાઓ છોડી દીધી હતી એ સમયે હરાજી એ તેના પરચા ની વાત જમાલ ને કરી. આથી જમાલે પોતાના ઘેર  થી જ માનતા માની કે જો તેનો દીકરો બરાબર થઇ જાય તો તે જલારામબાપા  ના સદાવ્રત માટે ૪૦ ગુણી અનાજ આપશે. અને તેનો દીકરો થોડા જ દિવસો માં બરાબર થઇ ગયો તેથી તે જલારામબાપા ના પગે પડ્યો તેમને ૪૦ ગુણી અનાજ સદાવ્રત માટે આપી અને જલારામબાપા  ને  ‘જલા સો અલ્લાહ’ કહી વધાવ્યા.

અને ૨૩ ફેબ્રુઆરી,૧૮૮૧ ના રોજ ભજન કરતા કરતા જ જલારામ બાપા સ્વર્ગે સિધાવ્યા. જલારામ બાપા નું જીવન ૮૧ વર્ષ નું રહ્યું પણ આ ૮૧ વર્ષો માં તેમને જે રીતે સાધુ સંતો ની સેવા કરી તેમને જમાડ્યા છે તેવું જલારામ બાપા નું જીવન ખરેખર આજ ના જમાના માં જયારે ગરીબી પૂર જોશ થી વધી રહી છે અને લાખો કરોડો માણસો ભૂખમરા ને લીધે મરે છે ત્યારે ખુબ પ્રેરણાદાયી છે. જો દરેક ઘર માં એક જલો જન્મ લે તો ગરીબી તથા ભૂખમરો ૧૦૦% નિવારી શકાય અને દેશ-દુનિયા માં આપણા ભારત ની, આપના સૌરાષ્ટ્ર ની, આપણા વીરપુર ની આગવી ઓળખ ઉભી કરી શકાય.

જલા શબ્દ ને ઊંધો લખિયે તો ‘લાજ’ થાય…આમ કરોડો ભક્તો ની માનતા ની લાજ રાખનાર જલિયાણ જોગી ને મારા કોટી કોટી વંદન….

આપને સૌને  એક રઘુવંશી તરીકે,એક જલારામ ભક્ત તરીકે ગર્વ છે આજે આપણા જલારામબાપા પર…આજ રીતે આપ સૌના પર જલારામબાપા ની કૃપા વરસતી રહે એવી પૂજ્ય શ્રી જલારામ બાપા ને પ્રાર્થના…..તથા આપ સૌને જલારામ જયંતિ ની ખુબ ખુબ શુભેચ્છાઓ…..

જય જલારામ…!!

લેખક – કુશલ રાજેશભાઈ ઠક્કર

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો વધુ ને વધુ લોકો સાથે શેર કરી તેમને પૂજ્ય શ્રી જલારામબાપા ના જીવન ચરિત્ર થી પરિચિત કરાવો.

Know The life History of Shree Jalaram Bapa

530 COMMENTS

Comments are closed.