દુનિયા બદલવા માટે પહેલાં પોતે બદલવું પડે !! સમજવા જેવી ચોટદાર વાત..

508
602

“YOU MUST BE THE CHANGE , YOU WANT TO SEE IN THE WORLD.”

–  MAHATAMA GANDHI

“THE BIGGEST RISK IS NOT TAKING ANY RISK……..IN A WORLD THAT CHANGING REALLY QUICKLY , THE ONLY STRATEGY THAT IS GURANTEED TO FALL IS NOT TAKING RISKS.”

– MARK ZUKERBERG   (COFOUNDER OF FACEBOOK)

” પરિવર્તન જ સંસારનો નિયમ છે ”

– કોઈ મહાન વ્યક્તિ

ના ,  આ કોઈ ભાષણ નું ટાઇટલ નથી એટલે તમને સુવાક્યનો અર્થવિસ્તાર નહિ વાંચવો પડે કે ન તો કોઈ પ્રવચન સાંભળવું  પડે!

તમે નોટ કર્યું હશે કે આ બધા વાક્યો માં એક વસ્તુ કોમન છે , પરિવર્તન ( ભલે માર્ક ઝુકરબર્ગે એ શબ્દ નથી વાપર્યો પણ , જે કહ્યું છે એ એના સંદર્ભમાં જ છે) ઉપર લખેલા મહાન વિચારો એટલા લોકપ્રિય છે કે હવે સૌ એને અવારનવાર બોલ્યા કરે છે.બધા મોટી મોટી વાતો કરીને વચ્ચે વચ્ચે આવા સુવિચારોનો ઉપયોગ કરે છે.પોતાના ભાષણોમાં કોઈ નેતા કે કોઈ વર્તમાનપત્ર માં લેખક પોતાની કલમથી આવી મોટી વાતો ને મથાળું બનાવીને લોકોને આકર્ષવા પ્રયત્ન કરે છે, ને ક્યારેક તે સફળ પણ બને છે.એના લેખમાં સામાન્ય રીતે કોઈ મહાન માણસનો  કોઈ જીવન પ્રસંગ હોય છે, ને છેલ્લે કવિ (સોરી લેખક) નો બોધપાઠ હોય છે , કે કેમ પરિવર્તનનો સ્વીકાર કરવો ને કેમ સમય સાથે બદલાતા રહેવું , વગેરે વગેરે……..

પણ આપણે ઘણી મોટી વાતો નથી કરવી. પણ ઉપરના વિચારો કે બીજા ઘણા એવા સુવિચારો કે જેમાં ‘પરિવર્તન’ શબ્દ આવે છે, તે 100% સાચા હશે;  એમ હું માનું છું.તો ચાલો થોડીક વાતો આ શબ્દ વિશે કરીએ…

બધા જાણે છે એમ આ સંસ્કૃત શબ્દ ‘પરિવર્તન’ એવો અર્થ બતાવે છે કે :  બીજું કંઈક નવું વર્તન, પહેલાનું નહીં એવું એટલે સતત બદલાયા કરતું. એટલે જે વસ્તુ , હકીકત કે વાત સમય સાથે બદલાતી રહે છે તે વસ્તુ પરિવર્તનશીલ છે.તે ફક્ત થોડા સમય માટે એનું સ્થાન , કદ , વિશિષ્ટતા વગેરે જાળવી રાખશે. પણ એના અંતરાલ પછી તે નવુજ કંઈક રૂપ, નવા જ ગુણો વગેરે સાથે ફરીથી પરિવર્તનની રાહ જોશે.

હકીકતમાં વસ્તુ, વિગત ,વ્યક્તિ કે દરેક ચીજ પરિવર્તનીય છે જ. એ સમય માટે સાપેક્ષ છે , કેમ કે તે નિયમિત અંતરાલે સમય પ્રમાણે જ બદલાય છે. જોકે , સમય ને તો આપણે વ્યાખ્યાયિત કર્યું છે એટલે આપણે બનાવ્યું છે, મતલબ કે આપણે જ્યારે સમય વિશે નહોતા જાણતા ત્યારે પણ સમય તો હતુંજ ને આપણે નહિ હોઈએ ત્યારે પણ સમય તો હશે જ, એટલે વસ્તુનું પરિવર્તન એ સમયથી નિરપેક્ષ છે એવું પણ માની શકાય. એટલે પરિવર્તન સમયની સાપેક્ષ પણ છે ને નિરપેક્ષ પણ ! ( આ શું નિરપેક્ષ – સાપેક્ષ ,અહિંતો ભૂલથી અઘરી વાતો ચાલુ થઈ ગઈ !)

હવે પરિવર્તનના અંતરાલ એટલે કે બે પરિવર્તનો વચ્ચેના સમય ની વાત કરીએ. આ સમય એકદમ સૂક્ષ્મ જેમકે એકાદ મિલી સેકન્ડ કે માઇક્રો સેકન્ડ જેટલો કે પછી એકાદ વર્ષ કે દાયકા જેટલો મધ્યમ કે પછી સદીઓ કે લાખો વર્ષ જેટલો વિશાળ હોઈ શકે. આજે આપણે યૂ-ટ્યૂબમાં ‘WHAT ARE THE CHANGE THAT HAPPENS DURING ONE MINUTE’ એવું કઈક લખીએ તો ઘણા વિડિઓ મળી જશે.

આ બધામાં અમુક વસ્તુ જેમકે : એક મિનિટમાં આંખ આટલી વાર પલક જબકાવે છે, એક મિનિટમાં આટલી આત્મહત્યા થાય છે ( એ પણ અમેરિકામાં ખાસ), એક મિનિટમાં વિશ્વમાં આટલા બાળકો જન્મે છે કે પછી બિલ ગેટ્સ વગેરે જેવા અરબોપતિ ઓર કેટલા રૂપિયા કમાય છે તે બધું સામાન્ય રીતે જોવા મળશે. તેવીજ રીતે જો એમ લખીએ કે ‘ JOURNEY OF HUMAN KIND IN LAST 50 YEARS’ કે પછી ‘OUR LAST DECADE’S JOURNEY’ તો પણ લાખો વિડિઓ જોરદાર ગ્રાફિક્સ ને સારી એનિમેશનમાં મળી જશે, અરે પૃથ્વીના ઉદ્દભવથી લઈને પૃથ્વીના અંત (પૃથ્વીનો અંત? ન થાય તો સારું…..) વચ્ચે કેટલા પરિવર્તન થયા કે થવાના છે , એ પણ અમુક વિડિઓ બતાવી આપશે.

જોકે, આપણું આયુષ્ય કોઈ નાના બેક્ટેરિયા કે પછી એકદમ નાના જીવડાં જેવડું તો છે નહીં કે એકાદ-બે કલાક કે વધુમાં વધુ એક-બે દિવસમાં જ પૂરું થઈ જશે. તેવી જ રીતે આપણી ઉમર કોઈ ગ્રહ ( સમજીલો ને પૃથ્વી) જેટલી પણ નથી કે લાખો-કરોડો વર્ષ સુધી આપણે જીવતા રહેશું. હવે સવાલ એ થાય કે આ 80-90 વર્ષ ( ભલે સરેરાશ 60 વર્ષ, બસ ) ની જિંદગીમાં આપણે શું કરશું? કેટલા પરિવર્તન અનુભવશું ? એવું તો છે નહીં કે નાના જીવડાં જેમ અમુક કલાકો જીવીને ફક્ત મહત્વપૂર્ણ કામ કરીને મરી જાય છે , એમ આપણે મરી જશું. બીજી બાજુ એમ પણ નથી કે પૃથ્વીની જેમ આપણી પાસે કરોડો વર્ષ પડ્યા છે કે આપણે જરૂરી કામ જિંદગીના પાછળના એક-બે લાખ વર્ષોમાં કરી લેશું. જે છે એ આ જ જિંદગી છે , જેટલી છે એટલી, જેવી છે એવી પણ આપણે આનામાં જ જીવવાનું છે. હા, એક વાતની ચોક્કસ ગેરંટી છે કે પરિવર્તન સતત આવ્યા કરશે, પણ આપણે તો આપણા કામ કરતા જ જવાના છે.

કોઈ પરિવર્તન શું હોઈ શકે  : તમે આજે તમારી બાઇક કે કાર ખરાબ હોવાથી બસમાં ઓફીસ જાઓ છો, કોઈ વેપારી આજે રોજ કરતા થોડીક મોડી દુકાન ખોલે છે, કોઈ ડોક્ટર આજે પોતાનો પહેલો ઓપરેશન કરવા જઈ રહ્યો છે,તમારી વાઈફ આજે કોઈ નવી વાનગી બનાવવા આખો દિવસ મહેનત કરે છે, કોઈ ક્રિકેટર આજે ટુ- ડાઉન ની બદલે ફોર-ડાઉન બેટિંગ કરવા ઉતરે છે, આજે કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા પહેલી વાર જઈ રહ્યો છે,આજે કોઈ બાળક અમસ્તું પોતાના કલાસમાં નવરાશના પળોમાં જમણા હાથની બદલે ડાબા હાથે ચિત્ર બનાવે છે,તમે આજે રજા હોવાથી કોઈક નવા સ્થળે ફરવા નીકળો છો, કોઈ કંપની પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે, કોઈ અભિનેતા આજે એવો સીન પરફોર્મ કરવા જઇ રહ્યો છે કે જે હંમેશા તે પોતાના સ્ટંટમેન પાસે કરાવતો, તમે લીધેલા શેરના ભાવ અચાનક વધી જાય છે, આજે અરજીત સિંઘનું કોઈ નવું ગીત લોન્ચ થવાનું છે (તો તો મજા આવે) , આજે કોઈ રાજ્યના નવા બનેલા મુખ્યમંત્રી પ્રથમ વાર ભાષણ આપવાના છે, વગેરે વગેરે…………..આવા તો હજારો-લાખો પરિવર્તનો આપણા જીવનમાં થયા કરે છે.

નવા કામ કે નવી પરિસ્થિતિ માટે આપણામાં રોમાંચ ,જિજ્ઞાસા કે પછી થોડુંક ટેંશન જાગી ઉઠે છે. પણ નવું કામ જુના કામથી સારું લાગતું હોય તોજ ; જો નવું કામ જુના કરતા નીચું કે ઉતરતું લાગે તો બસ આપણો પ્રિય મિત્ર( ક્રોધ) આપણા મગજમાં અતિથિ બની જાય છે.નવી પરિસ્થિતિઓ આપણે નકામી લાગે છે, આપણે એના માટે ક્યારે સુટ નહિ થઈએ એવું લાગ્યા કરે છે, ને છેલ્લે આપણે બસ એ પરિવર્તન નો વિરોધ કરવા માંડીએ છીએ.

આપણે લાગે છે એ પરિવર્તન આપણા સારા માટે નથી. કદાચ એ પરિવર્તન વધુ સમય માટે હશે તો આપણી ખુશી, આપણી ઈચ્છાઓ, આપણી સગવડ પહેલા જેવી નહિ રહે. કદાચ બધું બદલાઈ જશે! કદાચ આપણે એ પરિવર્તનને માફક નહિ આવીએ , કદાચ આપણે એ પરિવર્તન માફક નહિ આવે. ( અરે , કદાચ આપણો પરમ મિત્ર ‘ આપણો ઈગો’ મરી તો નહીં જાય ને ) આપણી સુખ-સાહ્યબી ક્યાંક છીનવાઈ જશે તો ? ને છેલ્લે આપણે  એ તારણ પર પણ બહુ જલ્દી આવી જઈએ છીએ કે આપણે ક્યાં પરિવર્તનની જરૂર છે? ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે બધી જગ્યાએ આપણા સ્વાસ્થ્યમાં , ઘરમાં, વ્યાપારમાં , સમાજમાં ,સંબંધોમાં ( મિત્રતામાં પણ) સમય સાથે પરિવર્તનની ભરતી -ઓટ આવતી જ રહેવાની છે.

પણ મારા હિસાબે પરિવર્તનનું આવવું કોઈ મોટી વસ્તુ નથી , એતો એનો નિત્ય ક્રમ છે. પણ આપણે પરિવર્તનને ઓળખવામાં જે ભૂલ કરીએ છીએ એ જ મોટા ભાગે આપણી પરેશાનીનું કારણ બને છે.ક્યારેક આપણે એ પરિવર્તનને બિલકુલ નથી ઓળખી શકતા કે ક્યારેક આપણે એ પરિવર્તન કેટલા સમયમાં આવશે એ નથી જાણી શકતા, પણ સૌથી વધુ હાલત ક્યારે કફોડી બને છે : અરે જોઈ લેશું !  આવવા દો જે આવે એને ! જે થવાનું હોય એ થાય ! આપણે પહોંચી વળશું ! આપણે એવું માનતા જ નથી કે કોઈ પરિવર્તન આવશે , આજે જેવી પરિસ્થિતિ છે એ કદાચ કાલે નહિ રહે. આપણે પરિવર્તનની ગંભીરતા નથી સમજતા. આપણે એવું લાગતું જ નથી કે આટલી જલ્દી આવું કંઈ થઇ શકે!

આવાતો કેટલાય ઉદાહરણ આપણે આપણી રોજબરોજની લાઈફમાં જોતા આવ્યા છીએ: કે ક્યારેક આખા ભારતના માર્કેટમાં રાજ કરતી મોબાઇલની કંપની નું આજે કોઈ ભાવ પણ નથી પૂછતું (જોકે મોબાઈલ બહુ વજનદાર હતા !)  કે પછી એ મોટરકાર બનાવતી કંપની કે જેની કારમાં બેસીને બધા પોતાનો વટ પાડવા ઉત્સુક રહેતા, ને આજે બસ એક વિન્ટેજ કાર તરીકે કોઈની પાસે પડી હશેને, ધૂળ ખાતી હશે.

એવી જ રીતે આઈ. ટી. ક્ષેત્રે પણ જે બેસ્ટ ઇમેઇલ વેબસાઇટ કહેવાતી એનું આજે કચ્ચરઘાણ વળી ગયું છે. એમને અંદાજો પણ નહિં આવ્યો હોય ત્યારના સમયની કોઈ નાની હરીફ કંપની-  આજે ટોચ પર હશે.

એ દરેક કંપની કે જે કંપનીની ક્યારેક માર્કેટમાં મોનોપોલી હોવાના કારણે  એક નંબર પર હતી ને આજે બસ કાંતો દેવાળું કાઢી રહી છે ,ને કાંતો ધકે-ધકે ચાલી રહી છે. એવું તો હશે નહિ કે આ કંપનીઓ માં કામ કરતા લોકો , એમના એડમીન ઓફિસરો કે રિસર્ચ-ડેવલપમેન્ટ અધિકારીઓ કે પછી ખુદ એના માલિકો મૂરખા હશે. એમને ખબર જ ન પડી હોય કે  પોતાની કંપની હવે પહેલા જેટલું કામ નથી કરી રહી, કે પહેલા જેટલા ઓર્ડર નથી મળી રહ્યા.

આવી મલ્ટી નેશનલ કંપનીઓમાં તો કેટલાય એક્સપર્ટ હોય છે ! તો પછી?

તેમની એક જ ભૂલ હતી : એ લોકો આવનારા 10 વર્ષ કે 20 વર્ષ એ 5 વર્ષ પહેલાથીજ નહીં જોઇ શક્યા હોય ! એમને આવનારા પરિવર્તનની કદાચ ગંભીરતા નહિ સમજી હોય.

આવું ફક્ત વ્યાપારમાં જ નહિ, આપણા ખુદના આરોગ્યમાં,  સંબંધોમાં , સતા- સંપતિમાં બધામાં લાગુ પડે છે.જો સમય આવ્યે પરિવર્તન ને નહીં જોઈ શકીએ તો પછી આપણે પણ ધક્કા ખાતા રહી જશું.

તો આ પરિવર્તનને ઓળખવું કેમ ને જરૂર પડ્યે એનાથી મેળ કેમ બેસાડવો , એની થોડી ઘણી માહિતી એક પ્રખ્યાત બુકમાં આપેલી છે. એ ખરેખર એક મોટિવેશનલ બુક તો છે પણ સરળતાથી સમજાઈ જાય એમ પણ છે ( બાકી આજની મોટિવેશનલ બુક સમજવા માટે તો બહુ અઘરી છે) ઘણા બધા એ બુક વાંચી હશે, ને જે લોકોએ નથી વાંચી એમને હું ચોક્કસ આ બુક વાંચવા વિશે કહીશ. વળી, આ બુક ઘણી મોટી પણ નથી ,બસ 25-30 પેજમાં તો બુક પુરી થઈ જાય છે.( ને પાછી આ બુક એક વાર્તા સ્વરૂપે જ છે, એટલે કંટાળો તો નહિજ આવે).

બૂકનું નામ છે: WHO MOVED MY CHEESE. બૂકના લેખક છે : DR. SPENCER JHONSON. આ બુક અંગ્રેજી માં છે પણ બૂકની ભાષા બહુ સરળ છે. આની કદાચ ગુજરાતી કે હિન્દી આવૃત્તિ હશે તોપણ મને ખબર નથી. તમે ઈન્ટરનેટમાંથી આ બુક PDF ફોર્મ માં ડાઉનલોડ કરી શકશો, ને વાંચી શકશો.

આ બુકમાં અમુક વસ્તુઓ મને બહુ ગમી છે , તો એના વિશે થોડી માહિતી આપું છું:

આ બુકમાં CHEESE ની વાત કરી છે ( હા એ જ ચીઝ,  જેનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે.) તો આ ચીઝ શું છે?

આપણે ખબર છે એમ ,નાના બાળકો ને ચીઝ કે એમને ભાવતી વસ્તુ ખાવા મળે તો તેઓ રાજી થઈ જાય. જ્યાં સુધી આ ચીઝ કે બીજી ભાવતી વસ્તુ એમની પાસે હોય ત્યાં સુધી વાંધો ના આવે પણ જેવું એમની પાસેથી લઈ લઈએ, કે પછી પૂરું થઈ જાય તો તેઓ રડવા મંડી જાય ( એ પણ બહુ જોરજોરથી) કે પછી ઝઘડો કરવા મંડી જાય.

પણ મોટા લોકોના કેસમાં આ ચીઝ કોઈ માટે પૈસા, કોઈ માટે પ્રેમ, કોઈ માટે બંગલો, કોઈ માટે પદ-પ્રતિષ્ઠા , કોઈ માટે સંબંધો , કોઈ માટે સ્વાસ્થ્ય વગેરે હોય છે. ને તેઓ એને જ વળગી રહે છે.જ્યાં સુધી આ ચીઝ છે ત્યાં સુધી વાંધો નથી, પણ આ ચીઝ જ ન રહે તો ? ને અચાનક કોઈ મોટું પરિવર્તન આવે તો ?

આવુંજ કંઈક આ બૂકના પાત્રો સાથે થાય છે: કેટલાક લોકો એક રિયુનિયન લંચ માટે મળે છે.જમ્યા પછી તેઓ કુંડાળું કરીને  વાતો કરવા બેસે છે. પોતાના જીવન માં શું ચાલી રહ્યું છે? આટલા વર્ષોમાં શું ચેન્જ આવ્યું છે? વગેરે અલકમલક ની વાતો કરે છે. પણ એક વાત તેઓ શોધી કાઢે છે કે એમાંના મોટા ભાગના લોકો પોતાના જીવન માં આવેલા પરિવર્તનથી ખુશ નથી.

આ બધી વાતો ચાલુ હોય છે ત્યાં માઈકલ નામે એક છોકરો શરૂઆત કરે છે ” મારી લાઈફ માં જે ચેન્જ આવ્યા તેનાથી હું પણ  બહુ ડરી રહ્યો હતો, પણ મારા એક મિત્રએ મને એક સ્ટોરી કહી એ પછી લગભગ બધું બદલાઈ ગયું, એ સ્ટોરી નું નામ છે: ‘WHO MOVED MY CHEESE’ , (અરે ! અસલી સ્ટોરી તો હવે ચાલુ થાય છે) ,જો તમે કહો તો હું તમને સંભળાવું ?” ને બધા સ્ટોરી સાંભળવા માટે ઉત્સુક હોય છે , એટલે એ પોતે એ સ્ટોરી કહેવાનું ચાલુ કરે છે:

દૂર ક્યાંક કોઈ જગ્યાએ બે નાનકડી ઉંદરડીઓ ‘સ્નિફ’ અને ‘સ્કરી’ ને એની જ સાઈઝના બે લિટલપીપલ એટલે ઠીંગણા માણસો ‘હેમ’ ને ‘હો’ રહેતા હતા. ( હા, વાર્તામાં બધું આવે) . હવે ઉંદરડીઓ નું કામ શું હોય , અહીંયાથી ત્યાં દોડાદોડ કરીને ખાવાનું ભેગું કરવું.એટલે ત્યાં પણ બને ઉંદરડીઓ ને બે માણસો ખાવા માટે રોજ દોડાદોડ કરતા ને પાછા આવીને મેજ માં સુઈ જતા.એમને ચીઝ બહુજ ભાવતું. એટલે જ્યાં પણ ચીઝ મળે ત્યાં આરામથી ખાવા બેસી જતા.

પણ બે માણસો કેટલીક ધારણાઓ થી બંધાયેલા હતા કે એ જ ચિઝ ખાવું કે જેમાં મોટા અક્ષરે ‘C’ દોરેલું હોય , કેમકે તેઓ માનતા મેં એ જ ચીઝ ખાવાથી વધારે મજા આવશે. આમેય ત્યાં ચીઝ ઘણું હોવાથી એમને લગભગ એ મળી રહેતું.આ સિવાય બને માણસો પોતાના જુના અનુભવો , પોતાની માન્યતાઓ , પોતાની લાગણીઓ માં ઘણું માનતા( જેમ આપણે બધા માનીએ છીએ એમ ) એટલે તેઓ હંમેશા જુની જગ્યાએ જ ચિઝ ગોતવા નીકળતા. નવી જગ્યાએ ચીઝ ગોતવા જશે તો ખોવાઈ જશે એવું તેમને લાગ્યા કરતું.

પણ શરૂઆત માં આવું નહોતું, શરૂઆત માં તો ચારેય એકસાથે ચીઝ ગોતવા નીકળી પડતા, ને નવી નવી જગ્યા એ જતા. પણ હવે ને માંણસોના વિચાર ધીમે ધીમે બદલાઇ ગયા હતા, હવે તેઓ આરામથી ધીમે ધીમે બુટ પહેરીને ,  તૈયાર થઈને જુના ચીઝ સ્ટેશને પહોંચી જતા ને આરામથી બેસીને ચીઝ આરોગતા. હો હંમેશા હેમ ને કહેતો કે ” અહીંયા એટલું બધું ચીઝ જે અપને આખી જિંદગી ખાશું તોય નહિ ખૂટે.” પણ ઉંદરડીઓ પોતાના સ્વભાવ મુજબ એક જગ્યાએ નહિ પણ બધી જૂની-નવી જગ્યાએ ચીઝ ગોતવા નીકળતી.આમનેઆમ બધાના દિવસો નીકળી રહ્યા હતા.

પણ વાર્તામાં વળાંક ન આવે તો મજા કેમ આવે? એકવાર એવું બન્યું કે ઘણી દોડધામ કર્યા પછી પણ બે ઉંદરડીને ચીઝ ના મળ્યું, ને એવુંજ કાંઈક પેલા ‘હેમ’ ને ‘હો’  સાથે થયું. તેમનું ચીઝ કોઈકે ઉપાડી લીધું છે? એમનું ચીઝ હવે ત્યાં નહતું જ્યાં હોવું જોઈએ!

તેઓ રોજ ચિઝની ખોજ માં નીકળે ને એ ન મળે એટલે નિરાશ થઈને પાછા ફરે. આમ થોડા દિવસ ચાલ્યું. પણ હવે એમનાથી રહી શકાય એમ ન હતું( ભૂખ કોનાથી સહન થાય). એટલે તેઓ એક નિર્ણય લે છે.

પણ પછી જે પરિવર્તન ચારેય ની રોજબરોજ ની કાર્યશૈલી માં આવે છે, એ બહુ રોમાંચક છે. ‘સ્નિફ’ ને ‘સ્કરી’ તો નવા ચીઝની ખોજ માં નીકળી પડે છે.

પણ ‘હેમ’  ને ‘ હો’ માણસના સ્વભાવ  મુજબ આવેલા પરિવર્તનને માનીજ નથી શકતા, તેમને લાગતુંજ નથી કે તેમનું ચીઝ તેમનાથી છીનવાઈ ગયું છે!

આવી રીતે વાર્તા વધુ રસપ્રદ બનતી જાય છે.( હવે હું આખી વાર્તા તો લખવા નહિ બેસું….. એ તો તમારે બીજે ક્યાંકથી વાંચવી પડશે.)

પણ પછી હેમ ને હો નું શું થાય છે , તેઓ ક્યારેય પોતાના ભ્રમમાંથી બહાર નીકળી શકે છે કે કેમ?તેઓ કોઈ અલગ પ્રયત્ન કરે છે?  તેમને ચીઝ મળે છે? આ બધા સવાલો ના જવાબ બહુ સુંદર રીતે તમને એ બુક માં મળી જશે. ચાલો ,એટલું કહી દઉં છું કે બે માણસમાંથી એક માણસ બીજા કરતા થોડો વધું હોશિયાર હોય છે.

હવે હું તમને પરિવર્તન આવી જાય પછી શું કરવું એ સમજાવીશ!!!

( ના ના બિલકુલ નહીં હું એવું કઈં નહિ કહું.  એના માટે તો આ બુક જ કાફી છે.)

પોતાના ચીઝ ને કેમ પોતાની પાસે રાખવું?  કેટલા સમય સુધી રાખવું? જો  એ ચીઝ ન રહે તો શું થશે ? ચીઝ ગયા પછી પરિવર્તનને કેમ ઓળખવું ? પરિવર્તનથી શું શું ફાયદા થશે? શું શું નુકસાન થઈ શકે? આ બધું બૂકના અમુક પેજ પર મોટા અક્ષરો એ ચીઝ પર લખેલું છે.

આ બુક જેટલી વાર વાંચશો એ એટલી વાર કંઈક નવું જ જાણવા મળશે, એ ચોક્કસ છે. જો તમે પણ આવા કોઈ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા હો અથવા થવાના હો તો  ( અથવા થઈ ચૂક્યા હો તોપણ ) આ બુક જરૂર વાંચજો

-આજથી જ પરિવર્તનશીલ બનીએ,  કેમ કે પરિવર્તન વહેલું મોડું આવશે જ !

– ક્યારેક નવરા બેઠા બેઠા , આ વાત જરૂર ધ્યાનથી વિચારજો  કે ” WHAT WOULD YOU DO , IF YOU WEREN’T AFRRAID”?

આભાર…………………….

By- HARSH MEHTA.

If You want To change the world, You should First Change yourself !

508 COMMENTS

Comments are closed.