ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે, તો ચાલો આજે જાણીયે માં રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ.
રાંદલ માતાજીને રન્નાદે-સંજ્ઞાદેવી-રાણલદે-રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપગુણના તેજથી પ્રભાવિત થઇ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતી સૂર્યને પોતાની ઇચ્છા – હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઇપણ દેવ કન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે. અદિતી રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઇ જાય છે.
ત્યારે અદિતી દેવી કાંચના પાસે ગયાં અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાનાં પુત્ર આદિત્ય માટે માંગ્યો. અદિતીજીની વાત સાંભળી કાંચના કહે આપના પુત્રની દીનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યાં રહેવું પડે માટે મારી ઈચ્છા નથી. દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણ દેવની સહાયથી કાંચનાદેવીનાં મોભારાનાં નળિયામાંથી રસોઈગૃહની તાવડીઓ તોડી નાખી.આથી કાંચના અદિતી પાસે તાવડી લાવવા ગયાં, ત્યારે અદિતીએ શરત મૂકી કે ‘મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઇશ.’
ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે? આથી તેમણે હા કહી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યાં, રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયાં. ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આખલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા ભીડવી દીધાં કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ. જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલનાં વિવાહ થયાં.
વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનનાં દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દૃષ્ટિ પણ થઇ શકતી ન હતી. પોતાના જ પતિ સામે દૃષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઇ માં રાંદલે પોતાનામાંથી એક બીજુ સ્વરૂપ (છાયા) ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું કારણ કે ‘દીકરી તો સાસરે જ શોભે’, આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ‘ઘોડી’ સ્વરૂપ લઇ પૃથ્વી પર એક પગે ઉભા રહી તપ કરવા માંડયું.
આ તરફ ભગવાન સૂર્ય અને ‘છાયા’ કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે જેના બે સંતાનો થયા. શનિ અને તાપી એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો. જેની વાત શનિ માં ‘છાયા’ને કાને નાખે છે. ‘છાયા’ પોતાના પુત્ર યમને ઠપકો આપે છે જે અન્વયે યમ ક્રોધે ભરાઇ માં ‘છાયા’ ને મારવા દોડે છે. ‘છાયા’ યમના આવા વર્તનથી કોપાયમાન થઇ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મુકીશ કે તુરંત જ તારૂ મૃત્યુ થશે. પોતાનો ઘટના ક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે.
સૂર્ય નારાયણ એવા તારણ પર આવે છે કે ‘માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં’ સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે. ‘છાયા’ પર કોપાઇમાન થઇને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે. ‘છાયા’ સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પરના ‘ઘોડી’ સ્વરૂપે થઇ રહેલા તપ વિશે પણ કહે છે દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઇ ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી પર જાય છે અને માં રાંદલનું તપ ભંગ કરે છે.
અશ્વ (ઘોડો) અને અશ્વિની (ઘોડી)નાં નસ્કોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના સોળે કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રાંદલમાતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે. તે ભૂમિ (સૂર્ય ભગવાને વસાવેલું નગર) ત્યારનું ‘સુરજ’ અને આજનું ‘સુરત’ તે આ દિવ્ય તપોભૂમિ ! ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોનાં સર્જનને તપથી પ્રસન્ન થઇ સૂર્ય વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્ર જન્મ, શ્રીમંત વગેરે જેવા શુભ કાર્યોમાં રાંદલનું સ્થાપન (લોટા તેડવા) કરનારને સુખ, સમૃધ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે. દેવી રાંદલ ‘છાયા’ની હંમેશા બે લોટા તેડાશે – એક અસલ સ્વરૂપે અને બીજું ‘છાયા’ સ્વરૂપે.
Web title: Why do we Bring Goddess Randal At home ? Know here.
Comments are closed.