હૃદય ભંગ

19
459
Heart Break
Cover Photo of Story: Heart Break

 

” હજુ સમય છે, વિચારી લે ! “

” વિચારી લીધું. “

” તો ? ઝંખનાને ફોન કરું ? તમે આરામથી બધી વાતો…. “

” ના, એ શક્ય નથી. “

             શહેરના પોશ વિસ્તારમાં આવેલા કેફેમાં કોર્નરના એક ટેબલ પર બેસીને બે જણાં વાતચીત કરી રહ્યાં હતાં. ઉદ્દેશ અને કીર્તન, બંને એક મલ્ટી-નેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર તગડા પગારની નોકરી કરતાં હતાં. વર્ષોથી સાથે કામ કરવાને લીધે બંને વચ્ચે સારી દોસ્તી હતી. પણ અત્યારે તેમની વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હતી. એક માટે એ જીવન-મરણનો સવાલ હતો, જયારે બીજા માટે પોતાના દોસ્તને ફરી ખુશ જોવાનો અવસર હતો.

         થોડીવાર બંને વચ્ચે સન્નાટો છવાયેલો રહ્યો. આખરે મૌન તોડતા કીર્તને કહ્યું ” યાર, તારું કંઈ સમજાતું નથી. ઝંખના સામે ચાલીને તારી માફી માંગે છે, છતાં પણ તું પોતાની જીદ પર અટલ છે. કેમ ?… સમજવાની કોશિશ કર ભાઈ, ક્યારેક સંબંધો સાચવવા માટે પોતાનો અહંકાર છોડવો પડે. “

  ” તું જેને અહંકાર કહે છે ને, એને હું મારી ભાષામાં આત્મ-સમ્માન કહું છું. બે વખત મેં ઝંખનાને લીધે પોતાના આત્મ-સમ્માનને ઠેસ પહોંચાડી છે, હવે નહીં. બહુ થયું ! “

” મતલબ કે તું એને હંમેશા માટે છોડી દઈશ, એમ ને ! ” કીર્તને જરા ઊંચા અવાજે કહ્યું. ઉદ્દેશ પર જાણે તેની કોઈ અસર ન થઇ. તેણે ઠંડા કલેજે જવાબ આપ્યો ” મારી વાતો ન સમજી શકે એટલો તું નાદાન નથી. “

” ઠીક છે દોસ્ત, જેવી તારી મરજી. પણ ઝંખનાને શું કહું ? આઈ મીન, એને કેમ કહું કે….. “

” એ તારો પ્રોબ્લેમ છે, કીર્તન. મેં તને કબાબમાં હડ્ડી બનવાનું નહોતું કહ્યું. ” ઉદ્દેશ જરા ખિન્ન થઈને બોલ્યો.

          કીર્તન જાણતો હતો કે અત્યારે ઉદ્દેશને વધુ સમજાવવામાં સાર નથી, તેથી તેણે વાત પૂરી કરવામાં ડહાપણ માન્યું. ” ભલે ત્યારે, આ વાત અહીં જ ખતમ. બસ, ખુશ ? ” કીર્તને કહ્યું. ઉદ્દેશે કીર્તન સામે જોયું…. જોયા જ કર્યું. જાણે કેમ પોતાની આંખોથી કીર્તન પર તેના મૂર્ખામી ભર્યા સવાલ બદલ ફિટકાર વરસાવી રહ્યો હોય ! કીર્તને કદાચ ઉદ્દેશની આંખો વાંચી લીધી, તેથી તેણે મોઢું ફેરવી લીધું.

            વાત ખતમ થવાથી ઉદ્દેશ થોડો ખુશ રહી શકવાનો હતો? સવાલ જ પેદા નહોતો થતો. જે વ્યક્તિ તેને પોતાની જિંદગીથી પણ વધુ વહાલી હતી, પ્રેમની બધી જ સીમાઓ તોડીને પાગલોની જેમ જેને ચાહી હતી, એ જ વ્યક્તિએ તેને દગો આપ્યો હતો… એ પણ એકવાર નહીં બબ્બેવાર !!

                 પણ ઉદ્દેશ પોતાની જિંદગી માટે કપરા નિર્ણયો લઇ શકતો, તેથી જ ઝંખનાએ માફી માંગવા છતાંય તેની સાથે આગળ ન વધવાનો તેણે ફેંસલો કરી લીધો હતો. બે દિવસ પહેલાં સુધી તે જાણે સ્વર્ગમાં રાચતો હોય એટલો ખુશ હતો, અને હવે ? ખેર…. એ બધી જૂની વાતો હતી.

” આજ પછી આ વાત માટે હું તને ક્યારેય આગ્રહ નહીં કરું ઉદ્દેશ, પણ તારે મને એક વચન આપવું પડશે !” પોતાની હથેળી ઉદ્દેશ તરફ લંબાવતાં કીર્તન બોલ્યો..

” બોલ. “

” તું ક્યારેય આવેશમાં આવીને કોઈ ખોટું પગલું નહીં ભરે. જયારે પણ તારા મનમાં એવા વિચારો આવે, તો તું સૌથી પહેલાં મને વાત કરીશ… સમજે છે ને કે હું શું કહેવા માગું છું ? ચલ, આપ વચન… “

” ચિંતા ન કર કીર્તન, તારો દોસ્ત ડરપોક કે બેવકૂફ નથી. “

” તો પણ મારે વચન જોઈએ, આપ હાલ ! “

” જા આપ્યું. બસ. “

” યે હુઈ ના બાત ! ચાલ હવે ઘરે જઈએ, આજે તો ઘણું મોડું થઇ ગયું છે. “

           બંને જણાં કાફેની બહાર આવ્યાં. સાડા દસેક વાગ્યા હશે. એકબીજાને બાય કહીને બંનેએ પોત પોતાની બાઇકને ઘર તરફ દોડાવી મૂકી. કીર્તન પોતાના દોસ્ત પ્રત્યે હવે થોડો આશ્વસ્ત હતો, કે તે કોઈ મૂર્ખામીભર્યું પગલું નહીં ભરે. તે ઉદ્દેશને વર્ષોથી જાણતો હતો. ઉદ્દેશ જરા વિચિત્ર સ્વભાવનો માણસ હતો. તે જેને ન ઓળખે એને બોલાવે પણ નહીં, પણ એકવાર જો કોઈ સાથે હળી જાય તો તો વાત જ પૂરી. ક્યારેય સાથ ન છોડે !

      ઝંખના ખરેખર મૂર્ખ હતી. આવા જમાનામાં ઉદ્દેશ જેવો પ્રેમી જડવો મુશ્કેલ હતો. ઝંખનાએ તેને બે વખત દગો દીધો હતો, છતાં તે હજી પણ ઉદ્દેશને પામવાના સ્વપ્નો જોઈ રહી હતી, કદાચ ઉદ્દેશને બરાબર સમજી નહોતી શકી એટલે જ ! ઘરે પહોંચતાં સુધી કીર્તનના મનમાં આવી કેટલીય વાતો ઘૂમરાતી રહી.

               બે દિવસ આમને આમ નીકળી ગયાં. ઝંખના અને ઉદ્દેશ એક જ ઓફિસમાં કામ કરતાં હતાં, તેથી ઝંખનાએ ઉદ્દેશથી વાત કરવાની ઘણી કોશિશો કરી જોઈ, પણ તે ટસ નો મસ ના થયો. કીર્તને તો વચ્ચે પડવાની ધરાર ના પાડી દીધી હતી, અલબત્ત ઉદ્દેશના કહેવાને લીધે જ !

” ઉદ્દેશ પ્લીઝ, આવું ન કર. તને ખબર છે કે મારી શું હાલત છે ? હું આમ નહીં રહી શકું. હું તને બધું કહેવા માગું છું. બસ એક વાર મારી વાત સાંભળી લે ! “

” ના ” સામેથી ભાવવિહીન જવાબ મળ્યો.

” પ્લીઝ, ખાલી દસ જ મિનિટ.. “

” કહ્યું ને, ના એટલે ના..”

” ઉદ્દેશ તને મારા પ્રેમનો વાસ્તો, જો તેં મને ક્યારેય પ્રેમ કર્યો હોય તો મારી સાથે ચૂપચાપ ચાલ, કોઈ પણ શરત વગર ! ” ઝંખનાએ કહ્યું. ઉદ્દેશ પાસે આ દલીલનો જવાબ ન હતો. તીર બરાબર નિશાને વાગ્યું છે એ જોઈને ઝંખના ખુશ થઇ. તેણે ઝડપથી ચાલવા માંડ્યું. ઉદ્દેશ પણ તેની પાછળ પાછળ દોરવાયો.

                 ઓફિસની બહાર નીકળીને તેઓ બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં એક ખાલી ટેબલ શોધીને બેઠાં. થોડીવાર ઝંખનાએ ઉદ્દેશને નિરખ્યા કર્યો, જયારે ઉદ્દેશની નજર બહારની ગતિવિધિઓ તરફ ખોડાયેલી હતી. આખરે ઝંખનાએ જ વાતની શરૂઆત કરી.

” ઉદ્દેશ, આઈ એમ રિયલી સોરી… “

” અરે તું શા માટે સોરી કે’ છે ? આમ કરવું તો તારી આદત છે. “

” હવે ઝાઝાં ટોન્ટ ન મારને ! ” ઝંખનાએ કહ્યું, પણ ઉદ્દેશે કંઈ પ્રત્યુત્તર ન આપ્યો.

” એય, વાત કરને મારાથી… આમ ચૂપચાપ ન બેસ.. કિધુંને કે મારી ભૂલ થઇ ગઈ. હવે કેટલીવાર નારાજ રહીશ… પ્લીઝ, મારાથી બોલને.. હું તારા વગર નહીં જીવી શકું યાર ! ” ઝંખનાનો અવાજ ગળગળો થઇ ગયો.

ઉદ્દેશે વેધક નજરે તેની સામે જોયું.

” આવું તો તું દર વખતે કહે છે, અને થોડા જ દિવસમાં બધું ભૂલી જાય છે. “

” આઈ પ્રોમિસ બસ, હવે એવું ક્યારેય નહીં કરું… પ્લીઝ ! “

” પ્રોમિસ તોડવાં તો તારા માટે ચપટી વગાડવાનો ખેલ છે. “

” પણ… “

” પણ ને બણ… આઈ ડોન્ટ બિલીવ યુ. “

” મતલબ તું મને પ્રેમ નથી કરતો, એમ ને. “

” મેં એવું નથી કહ્યું. “

” તો પછી ? “

” કંઈ નહીં છોડ. તું નહીં સમજે. “

” ના બોલી નાખ, હું બધું સાંભળવા જ આવી છું. “

” તો સાંભળ, પ્રેમ માત્ર કરવાનો ન હોય, નિભાવવાનો પણ હોય. તેં પહેલી વાર મને છોડ્યો ત્યારે મેં તને માફ કરી દીધી હતી. પણ બીજીવાર જયારે મને તારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તેં મને છોડ્યો, કોઈ જ નક્કર કારણ વગર… યાદ છે ? હું પોતે ખરાબ હાલતમાં હતો છતાંય મેં તને સમજાવવાની કેટલી કોશિશ કરી હતી ? પણ તું તો જાણે બહેરી હોય એમ તેં કંઈ જ ન સાંભળ્યું. તો હવે તું મારી પાસેથી શા માટે આવી આશા રાખે છે ? કયા હકથી રાખે છે ? અને ધાર, કે હું માની જાઉં તો શું ખાતરી કે તું ભવિષ્યમાં આવું ન કરે ?… વળી પ્રોમિસનું ન કહેજે, કારણકે તારા પ્રોમિસ પર મને જરાય ભરોસો નથી, હવે તો તારા પર પણ નથી. એટલે હવે બસ, તું તારી લાઈફમાં આગળ વધ અને મને મારી લાઈફમાં વધવા દે. બીજી વાત, કે મારી ફિલિંગ્સમાં રતીભર પણ બેવફાઈ ન હતી, પણ તું મારા પ્રેમને લાયક જ નથી. ”  કહીને ઉદ્દેશ ચૂપ થઇ ગયો.

ઝંખના કશું પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતી.. થોડીવાર બંને વચ્ચે મૌન સધાઈ ગયું.

” તારી દસ મિનિટ પૂરી થઇ. આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. ગુડ લક. ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તને તારે લાયક કોઈ મળી જાય. પણ પ્લીઝ, એની સાથે આવું ક્યારેય ન કરતી. બાય, ટેક કેયર ! ” ઝંખના આવે છે કે નહીં, એની પરવા કર્યા વગર જ ઉદ્દેશ બહાર નીકળી ગયો.

             બીજા દિવસે ઝંખનાએ નોકરી છોડી દીધી. તે હવે ઉદ્દેશનો સામનો વધુ વખત કરી શકે એમ ન હતી. જતાં પહેલાં તેણે ઉદ્દેશના ટેબલ પર આખરી વખત માફી માંગતો લાંબો લચક પત્ર ચિપકાવી દીધો. ઉદ્દેશ આવ્યો, નામ જોયું અને વાંચ્યા વગર જ પત્ર ફાડીને ફેંકી દીધો. જાણે કેમ તેને કશુંય ફરક ન પડતો હોય ! જોકે ખરેખર તેને ફરક પડતો હતો, ઘણો જ પડતો હતો, પણ હવે જો ઝંખનાને સ્વીકારે અને ઝંખના ફરી પોતાની જૂની આદત પર આવી જાય, તો ઉદ્દેશ માટે મરવા સિવાય કોઈ રસ્તો બચવાનો ન હતો. તેથી, હૃદયને મારીને પણ તેણે પોતાના ‘મગજ કી બાત’ સાંભળી હતી. હા, હવેથી ઓફિસમાં અને ઘરે પણ, તેનું વર્તન સાવ બદલાઈ ગયું. એક વખતનો જિંદાદિલ, હાજર જવાબી, હસમુખ ઉદ્દેશ જાણે મરી પરવાર્યો હતો. તેની જગ્યાએ એક ચીડિયો, ખામોશ અને ભાગ્યે જ હસતો છોકરો જીવી રહ્યો હતો. ઉદ્દેશના મમ્મીએ બે-ત્રણ વાર પૂછ્યુંય ખરું, પણ તેણે વાત ટાળી દીધી. આ મામલામાં તો કીર્તન પણ કશું કરી શકે એમ ન હતો. ઊંડો જખમ હતો, રૂઝ વળતાં સમય તો લાગવાનો જ હતો….

     ” તમને વાંધો ન હોય, તો હું અહીં બેસી શકું ? ” ઓફિસની બાજુમાં આવેલ રેસ્ટોરન્ટમાં એક દિવસ ઉદ્દેશ લંચ માટે કીર્તનની રાહ જોતો બેઠો હતો, ત્યારે એક મીઠો ટહુકાર તેના કાને સંભળાયો. તે ફોન માં કંઈક કરી રહ્યો હતો, તેથી ઉપર જોવાની તસ્દી ન લીધી. થોડીવાર થઇ ત્યાં ફરી પેલીએ પૂછ્યું, ” કોઈ આવવાનું ન હોય તો હું અહીં બેસી શકું? ” હવે ઉદ્દેશે નજર ઊંચી કરી. સામે એક ખૂબસૂરત છોકરી ઉભી હતી. ઉદ્દેશે તેની સામે જોયું એટલે પેલી છોકરી તેની સામે હળવું મુસ્કુરાઈ. તેણે ફરી સામે પડેલી ખુરશી તરફ ઈશારો કર્યો.

” મારો મિત્ર આવવાનો છે. આ ખુરશી તેના માટે જ રાખી છે…”

” ઓહ! આઈ એમ સોરી, મને ખ્યાલ ન હતો કે કોઈ આવવાનું છે. “

” કંઈ વાંધો નહીં. ” ઉદ્દેશે કહ્યું.

” હું હજુ ઓફિસમાં નવી જ આવી છું, તો મને લાગ્યું કે થોડા મિત્રો બનાવી લઉં. બાય ધ વે, મારું નામ શ્રેયા છે. તમારું ? ” શ્રેયાએ ઉદ્દેશ તરફ હાથ લંબાવતાં પૂછ્યું.

” ઉદ્દેશ, ઉદ્દેશ ત્રિવેદી. “

” વાઉ, નાઇસ નેમ. તમને મળીને આનંદ થયો. ” કહીને શ્રેયા મીઠું હસી.

” મી ટૂ. ” ઉદ્દેશે પણ જરા હસીને જવાબ આપ્યો.

” વાહ ! તમને હસતાં પણ આવડે છે !! “

” એક્સકયુઝ મી ! “

” અરે ખોટું ન લગાડતાં, તમે અત્યાર સુધી સાવ ચૂપચાપ બેઠાં હતા, એટલે મેં જસ્ટ મજાકમાં કહ્યું.. મજાક કરવું મારી આદત છે, યુ નો ! ” શ્રેયાએ હાથથી રમૂજી અભિનય કર્યો એટલે બંને ખડખડાટ હસી પડ્યાં. થોડીવારની વાતચીત પછી તેઓએ એકબીજાની રજા લીધી.

                ધીમે ધીમે ઉદ્દેશ અને શ્રેયાની દોસ્તી ગાઢ થતી ગઈ. ક્યારેક શ્રેયાને લાગતું કે ઉદ્દેશ તેની સાથે સહજતાથી નથી વર્તી શકતો. કશુંક તો એવું છે, જેના લીધે તે તેની નજીક નથી આવતો. કદાચ શ્રેયાના હૃદયમાં ઉદ્દેશ પ્રત્યે કૂણી લાગણીઓ જન્મી ચૂકી હતી, તેથી ઉદ્દેશનું આવું વર્તન તેને અકળાવી મૂકતું. એકાદ-બે વાર તેણે પૂછવાની કોશિશ કરી જોઈ, પણ ઉદ્દેશ કોઈને કોઈ બહાનું આપીને વાત ટાળી દેતો.

            કીર્તને આજે ઓફીસમાંથી રજા  પાડેલી હતી, તેથી લન્ચ માટે ઉદ્દેશ અને શ્રેયા જ આવ્યા હતાં. ઉદ્દેશ સારા મૂડમાં હતો. શ્રેયાએ વિચાર્યું કે આ જ યોગ્ય મોકો છે, ઉદ્દેશની મૂંઝવણ જાણવાનો… તેણે પૂછ્યું ” ઉદ્દેશ, તું મને શું માને છે ? “

અચાનક પૂછાયેલા સવાલથી ઉદ્દેશ થોડો ડઘાઈ ગયો, છતાં તેણે જવાબ આપ્યો ” શું માનું છું મતલબ ? તું મારી દોસ્ત છે. “

” હંમમ.. બરાબર, તો દોસ્તથી કશું છૂપાવવાનું હોય ? “

“ ના, ન હોય. પણ હું ક્યાં કશું છૂપાવું છું ? “

“ તું હજુ પણ ખોટું બોલે છે, ઉદ્દેશ ! “

” મતલબ ? હું કંઈ સમજ્યો નહીં. “

” હું ઘણા સમયથી જોઈ રહી છું, તું અંદર ને અંદર કોચવાઈ રહ્યો છે. તારી સાથે એવું તો શું બન્યું છે કે જેની સજા તું પોતાની જાતને આપી રહ્યો છે ? “

” ના… ના એવું કંઈ નથી. “

” એવું જ છે, અને હવે તો તારે મને કહેવું જ પડશે. ” શ્રેયાએ મોં ફુલાવ્યું.

” શ્રેયા ખોટી જીદ ના કર, પ્લીઝ… અમુક વાતો મારે ફરીથી યાદ નથી કરવી. “

” તું હકીકતથી ભાગવાની ગમે તેટલી કોશિશ કરીશ છતાંય તારે એનો સામનો તો કરવો જ પડશે. બહેતર છે કે તું તારું મન ખાલી કરી નાખ. તને પણ સારું લાગશે..” શ્રેયાએ ઉદ્દેશના હાથ પર હાથ રાખ્યો. ઉદ્દેશે તેની આંખોમાં જોયું. ખબર નહીં કેમ, પણ તે પીગળી ગયો. ઘણાં સમયથી તેના હૃદયમાં ધરબાયેલી લાગણીઓ બહાર આવી. તેણે પોતાની વાત કહેવાનું શરુ કર્યું. શરૂઆતથી અંત સુધી… બધું જ કહ્યું. ઉદ્દેશ બોલતો રહ્યો અને શ્રેયા સાંભળતી રહી. વાત પૂરી કરીને ઉદ્દેશ ચૂપ થઇ ગયો. તેનું મન થોડું શાંત તો થયું હતું, પણ આંખો હજુ રડવા માંગતી હતી. થોડીવારે તે સ્વસ્થ થયો.

    ” ઉદ્દેશ, મારી સાથે લગ્ન કરીશ? ” એકદમ અચાનક, અણધાર્યો સવાલ પૂછાયો. ઉદ્દેશ માટે તો આ માનવું અઘરું હતું. સામે બેઠેલી છોકરી તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી રહી હતી. ઉદ્દેશે ઝટકા સાથે પોતાનો હાથ શ્રેયાના હાથ નીચેથી લઇ લીધો. થોડીવાર તે ચૂપ રહ્યો, પછી બોલ્યો ”  શ્રેયા, પ્લીઝ ખોટું ન લગાડજે. પણ હવે તું મારા વિશે બધું જ જાણે છે. તને ખબર છે કે હમણાં હમણાં જ મારું હૃદયભંગ થયું છે. હું જેટલો પ્રેમ ઝંખનાને કરતો હતો એટલો કદાચ બીજા કોઈને નહીં કરી શકું… તો પછી શા માટે તું…? “

” એવું તું વિચારે છે ઉદ્દેશ. ઝંખના તારો ભૂતકાળ હતી. એણે કર્યું જ એવું હતું કે એને સજા મળવી જોઈતી હતી, અને મળી પણ ખરી. પણ તારો તો કોઈ વાંક ન હતો. તું ક્યાં સુધી પોતાને ગુનેગાર માનીને જીવ્યા કરીશ ? ક્યારેક તો આગળ વધવું પડશેને ! તો શા માટે અત્યારે જ નહીં ? ” શ્રેયાએ કહ્યું. તેનો અવાજ મક્કમ હતો.

” મને થોડો સમય જોઈએ છે. વિચારવા માટે.. “

” અરે બિંદાસ… જેટલો જોઈએ એટલો લઇ લે. ત્યાં સુધી આપણે એકબીજાના દોસ્ત જ રહીશું, જેવા અત્યારે છીએ એવા જ… ઓકે? “

” ઓકે ! ” ઉદ્દેશે કહ્યું.

” તો ચાલ મિસ્ટર દેવદાસ, હવે જમવાનું મંગાવને.. મને તો કકડીને ભૂખ લાગી છે.. ” શ્રેયાએ પોતાનો અસલી સ્વભાવ દેખાડ્યો. ફરી બંને હસી પડ્યાં…

                  આ વાતને એકાદ મહિનો વીતી ગયો. પણ શ્રેયાએ એક પણ વાર ઉદ્દેશને તેનો જવાબ પૂછયો ન હતો. કોઈ છોકરી આટલી પણ ધીરજ ધરી શકે એ ઉદ્દેશ માટે નવાઈની વાત હતી ! તેણે કીર્તનને વાત કરી. કીર્તને પણ શ્રેયા સાથે પરણી જવાની સલાહ આપી. છતાં ઉદ્દેશ હજુ અસમંજસમાં હતો. હા, શ્રેયા સારી છોકરી હતી. સુંદર હતી, સમજુ હતી, તેને સંભાળી શકે એમ હતી, પણ છતાં તેનું મન નહોતું માનતું. ક્યાંક ને ક્યાંક તેને એ ડર ખાઈ રહ્યો હતો, કે તે શ્રેયાને ખુશ નહીં રાખી શકે.

” ઉદ્દેશ, બેટા ચાલ નાસ્તો કરી લે. પછી ઓફિસે જવામાં મોડું થશે. ” મમ્મીના અવાજે ઉદ્દેશની વિચાર યાત્રામાં ઈન્ટરવલ પાડ્યો. તે બહાર આવીને નાસ્તો કરવા બેઠો, પણ તેનું મન આજે કશાયમાં ચોંટતું ન હતું. ઝડપથી નાસ્તો કરીને તે ઓફિસે જવા નીકળ્યો. ઓફિસે પહોંચીને પોતાનું કાલનું પેન્ડિંગ કામ કરવામાં પરોવાયો. થોડી થોડી વારે તેની નજર દરવાજા પાસે પહોંચી જતી હતી, કારણકે શ્રેયા હજુ સુધી આવી ન હતી. ખબર નહીં કેમ, પણ આજે ઉદ્દેશ એક અજીબ પ્રકારની બેચેની મહેસૂસ કરી રહ્યો હતો !

     ” હાય, ગુડ મોર્નિંગ મિસ્ટર દેવદાસ..! ” શ્રેયાનો મધમીઠો અવાજ ઉદ્દેશના કાને પડયો.. ઉદ્દેશનું હૃદય આજે કંઈક વધારે જ વેગથી ધડકતું હતું. જવાબમાં તે માત્ર હસ્યો. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ રીતસરનો શ્રેયાની પાછળ દોડ્યો.

” શ્રેયા ઉભી રે’, એક વાત કરવી છે ! “

” હા બોલ ને. “

” ના, અહીં નહીં. એક કામ કરીએ. આજે સાંજે ઓફિસેથી છૂટ્યા પછી બાજુમાં અભિનવ બાગ છે ને ત્યાં મળીએ. ચાલશે? “

” ઓકે ડન… મિસ્ટર દેવદાસ.. ” શ્રેયાએ ઉદ્દેશ સામે જીભ કાઢી અને હસતી હસતી પોતાના ટેબલ પર ગોઠવાઈ ગઈ.

             આજનો આખો દિવસ ઉદ્દેશે માંડ માંડ પસાર કર્યો હતો. એક ક્ષણ તેના માટે જાણે એક વરસ સમાન હતી. આખરે છ વાગ્યે તે ઓફિસમાંથી છૂટ્યો. કીર્તન અને ઉદ્દેશ બંને સાથે જ નીકળ્યા. અભિનવ બાગના ગેટ પાસે તેમણે બાઇક ઉભી રાખી અને શ્રેયા ન આવે ત્યાં સુધી ગપ્પાં હાંકયે રાખ્યા. ઉદ્દેશ બહારથી હળવો દેખાવાનો પરાણે પ્રયત્ન કરી રહ્યો હતો, પણ અંદરથી તે સખત તણાવ મહેસૂસ કરી રહ્યો હતો.

       થોડીવારે શ્રેયાએ દર્શન આપ્યા. પોતાની સ્કૂટી પાર્ક કરીને તે ઉદ્દેશ અને કીર્તન ઉભા હતા તે તરફ આવી.

” કેમ, તમને બંનેને મારું કામ છે? ” તેણે આવીને જ ટીખળ કરી.

” ના, મારે કંઈ કામ નથી…. આ મારા દેવદાસ મિત્રને કંઈક કામ છે.. ચલો હું નીકળું. આવજો, ઓલ ધ બેસ્ટ ઉદ્દેશ ! “

” એણે તને ઓલ ધ બેસ્ટ કેમ કહ્યું? તું કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યો છે? ” શ્રેયા હજી તોફાની મૂડમાં હતી.

” હા.. કદાચ ! ” ઉદ્દેશે ચાલતાં ચાલતાં કહ્યું.

                તેઓ બાગની અંદર પ્રવેશ્યા. થોડું ફર્યા. શ્રેયાને મનની વાત કેમ કહેવી એ બાબતે ઉદ્દેશ સતત મૂંઝવણ અનુભવી રહ્યો હતો.

” ચાલ, ત્યાં બેસીએ. ” શ્રેયાએ સામે ખાલી પડેલા બાંકડા તરફ ઈશારો કરતાં કહ્યું. ઉદ્દેશ કંઈ બોલે એ પહેલાં જ તે ઝડપથી એ તરફ ચાલવા માંડી.

” આહ…!! ” શ્રેયાએ અચાનક એક ચીસ પાડી. ઉદ્દેશ એ બાજુ દોડ્યો. શ્રેયા નીચે ઘાસ પર પોતાનો પગ પકડીને બેઠી હતી અને પીડાને લીધે કણસી રહી હતી. ” શું થયું? ” ઉદ્દેશે ચિંતાતુર સ્વરે પૂછ્યું.

” લાગે છે, કે પગનું હાડકું ભાંગી ગયું છે…આહ.!! ” ઉદ્દેશે જ્યાં વાગ્યું હતું ત્યાં હાથ ફેરવ્યો કે શ્રેયાએ ફરી એક નાનકડી ચીસ પાડી.

” ઉભું થવાશે ? ” ઉદેશે પૂછ્યું. શ્રેયાએ ડોકું ધુણાવીને ના પાડી.

          ઉદ્દેશે શ્રેયાનો એક હાથ પોતાના ગળા ફરતે વીંટાળી તેને ઊંચકીને નજીકના બાંકડા પર હળવે રહીને બેસાડી. બહારથી પાણીની એક બોટલ લઇ આવ્યો અને શ્રેયાને આપી. શ્રેયાએ તેમાંથી બે ઘૂંટ પાણી પીધું.

” ડફોળ, આંખે ચશ્મા છે ? એવડી શું ઉતાવળ હતી તને? “

” હતી જા. તને શું ફરક પડે છે? “

” ફરક પડે છે. આજ પછી આવું બીજીવાર ન બોલજે. ” ઉદ્દેશ હવે ગુસ્સે થયો. જોકે તેનો અવાજ તેની શ્રેયા પ્રત્યેની લાગણીઓની ચાડી ખાઈ રહ્યો હતો.

” મતલબ? ” શ્રેયાએ જાણે કંઈ ન સમજી હોય એવો ડોળ કર્યો.

” મતલબ તું જાણે છે. “

” ના, હું તો કશું નથી જાણતી. બોલ હાલ ! ” શ્રેયાએ કહ્યું. ઉદ્દેશ જરા દૂર ખસ્યો. એક પગ પર બેઠો. પોતાનો જમણો હાથ શ્રેયા તરફ લંબાવ્યો અને તેની આંખોમાં આંખ નાખીને પૂછ્યું ” મારી સાથે પરણીશ? “

” મારે વિચારવું પડશે.. ” શ્રેયાએ કહ્યું.

” જો મજાક ન કર.. ફરી પૂછું છું, મારી સાથે પરણીશ ? હા કે ના? ” ઉદ્દેશ ઉભો થતાં બોલ્યો.

” ડોબુ.. હું તો કયારની તૈયાર છું…! ” કહીને શ્રેયા ઉદ્દેશને વળગી પડી.

” અરે આરામથી યાર…. તને વાગ્યું છે. વળી દુખાવો થશે. “

” મને કંઈ જ નથી થયું મારા દેવદાસ.. આ તો તું કંઈ બોલતો ન હતો, એટલે મેં જરા નાટક કર્યો. યુ નો ! ” શ્રેયાએ ઉદ્દેશથી છૂટા પડતાં કહ્યું. બન્ને ખડખડાટ હસી પડ્યાં.

થોડીવારે શ્રેયા ગંભીર બની. ” ઉદ્દેશ, તું મને ક્યારેય છોડીને નહીં જાય ને ! ” તેણે ઉદ્દેશ સામે જોઈને કહ્યું.

” ના, હવે એ શક્ય નથી. ” કહીને ઉદ્દેશે શ્રેયાને ફરી બાથમાં ભીંસી લીધી….

Pratik.D.Goswami

Web Title: Heart Break- A love Story     

                                               

 

19 COMMENTS

  1. … [Trackback]

    […] Here you will find 74299 more Info to that Topic: joblessyuva.com/2017/08/31/heartbreak-a-love-story/ […]

Comments are closed.